ચક્ષુદાન મહાદાન
ચક્ષુદાન મહાદાન
ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો
આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી દૃષ્ટિ મળે છે. ૨૫% અંધત્વ કીકીના રોગને કારણે થાય છે. ભારતમાં દર વર્ષે આશરે ૩૦,૦૦૦થી વધુ લોકો કીકીના કારણે અંધ થાય છે. તેમાંના ૬૫% તો ૧૨ વર્ષથી નીચેના બાળકો છે મૃત્યુ પછી અગ્નિ સંસ્કારથી કે દફનાવી મૂલ્યવાન નેત્રો નાશ થાય તેના કરતા દાનમાં આપવાથી અંધને દૃષ્ટિ દાન માટે, આંખના રોગના નિદાન, ઉપચાર, સંશોધન, દવા વગેરે માટે ઉપયોગમાં આવી શકે છે. મોટાભાગનાં લોકોને આઘાતને લીધે પોતાનાં મૃત સ્વજનનું ચક્ષુદાન કરાવવાનું યાદ આવતું નથી. ઘરમાં, પોળમાં, પાડોશમાં, સોસાયટીમાં સ્વજનને કે સ્નેહીજનને ત્યાં કોઈ મૃત્યુ પ્રસંગે આપ ઉપસ્થિત હોવ તો કટુંબીજનોને આશ્વાસનની સાથે ચક્ષુદાન માટે પ્રેરણા આપી ચક્ષુદાન અપાવવા પ્રયાસ કરી શકાય. ચક્ષુદાન કરવાથી બે અંધ વ્યક્તિને દૃષ્ટિ મળે છે. આપણી આસપાસ જ લાખો લોકો અંધ છે. જે સ્વર્ગસ્થના ચક્ષુદાન થકી દેખતા થઈ શકે છે.
ચક્ષુદાન કરવાથી મૃત વ્યક્તિનાં શરીરને કોઈ હાની થતી નથી કે મૃત વ્યક્તિનાં ચહેરા પર પણ કોઇ ફેરફાર દેખાતો નથી. ચક્ષુદાન કરવું એ દરેક ધર્મ માટે એક પુણ્યનું કામ છે. ચક્ષુદાન કરવા માટે કોઈ જાતનો ખર્ચ ભોગવવાનો રહેતો નથી. ચક્ષુદાન મૃત્યુ બાદ, બને તેટલું વહેલું, વધુમાં વધુ ૬ કલાક સુધીનાં સમયમાં થઈ શકે છે. જો એકિસડન્ટ કે એમ.એલ.સી. કેસ હોય તો પોસ્ટમોર્ટમ રૂમમાં, ગમે ત્યાં થઈ શકે છે. ચક્ષુદાન કરવા માટે ફકત એક ફોન કરવાનો રહે છે ત્યારબાદ ટીમ આવીને ચક્ષુદાન લઈ જશે, ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ન ભર્યુ હોય તો પણ ચક્ષુદાન થઈ શકે છે. મૃતદેહ હોય તે રૂમમાં પંખો ચાલુ ન રાખવો. મૃત્યુ પછી પોપચાં ખુલ્લા રહયાં હોય તો ધીમેથી બંધ કરવા, અબીલ-ગુલાલ કંકુ છાંટવું નહી, આંખની કીકીની ખરાબીને કારણે અંધત્વ ભોગવતા લોકો દૃષ્ટિ મેળવવા આંખની હોસ્પિટલનો સંપર્ક કરી શકે.
ચક્ષુદાન પ્રવૃતિને વેગ મળે તે માટે શહેરના સામાજીક આગેવાનો, સંતો-મહંતો, ધર્મગુરૂઓ, સેવા-સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, સેવાભાવી સ્વજનો તેમજ માનવતાપ્રેમી શહેરીજનો પોતાનાં પરિવારજનો કે સ્વજનોનાં અવસાન વેળાએ બળીને રાખ થઈ જતી આખોનું ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરે તે સમયની માંગ છે.
મોંઘો મળ્યો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહિ વારંવાર, હે ભાઈ તું કરી દેને ચક્ષુદાન. ઇશ્વરે સુંદર જીવન આપ્યું છે ત્યાં સુધી ભોગવીએ છીએ, પરંતુ મૃત્યુ પછી પણ જો જીવતા રહેવું હોય…? શરીરનાં જે અંગ મૃત્યુ પછી બળીને ભસ્મ થઈ જાય છે. તે અંગ બીજાને કામ આવે તો ?
યુવાનીમાં રકતદાન, મૃત્યુબાદ ચક્ષુદાન–દેહદાન, બ્રેઈન ડેડ હોય તો અંગદાન.