ઉમરપાડાની કેવડી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી
ઉમરપાડાની કેવડી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી
(અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન ગુજરાતની અસ્મિતાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરશે : ગણપતભાઈ વસાવા)
સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કેવડી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી અરવિંદ ચૌધરી દ્વારા જિલ્લા સંઘનાં હોદ્દેદારો, તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રીઓ તેમજ જિલ્લા અને તાલુકા સંઘનાં કારોબારી સભ્યોની આગામી મે માસમાં ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશન તથા શિક્ષક અને શિક્ષણનાં હિત માટે પરમ પૂજ્ય મોરારીબાપુનાં મુખેથી પ્રવાહિત થનાર રામકથાનાં આયોજન બાબતે એક બેઠક બોલાવવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં પ્રાથમિક શિક્ષકોનાં પ્રશ્નોને વાચા આપવા તથા શિક્ષણની અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દર બે થી ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવે છે. આવું રાષ્ટ્રીય અધિવેશન આ વખતે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત મળી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષકો માટે તે એક અનેરો ઉત્સવ બની રહેવાનો છે. આ તકે તેમણે ગુજરાતનાં આંગણે થનારા બંને વિશેષ કાર્યક્રમો માટે આર્થિક યોગદાન તેમજ શ્રમદાન જાહેર કરનારા સૌ પ્રાથમિક શિક્ષકોને અભિનંદન પાઠવી તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠકની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રારંભે સ્વાગત પ્રવચન ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બિપીન વસાવાએ કર્યું હતું. સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરીએ બેઠકનાં એજન્ડાનું વાંચન કર્યું હતું. સદર બેઠકમાં નિયત એજન્ડા સહિત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોનાં વિવિધ પડતર પ્રશ્નો બાબતે થયેલ રજૂઆતો અને તે સંદર્ભે મળેલ અપેક્ષિત પ્રતિસાદ ઉપરાંત જિલ્લા અને રાજ્ય સંઘ દ્વારા થયેલ વિવિધ સફળતાપૂર્વકનાં કાર્યોની વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ તકે કિરીટ પટેલે પ્રમુખ સ્થાનેથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં 49 માં અધિવેશન ઉપરાંત સંઘની આગામી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી.
બેઠકનાં દ્વિતીય ચરણમાં ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી અને માંગરોળનાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ ખાસ ઉપસ્થિત રહીને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કામગીરીની સરાહના કરી હતી. તેમણે સંઘનાં ઉત્સાહી અને કાર્યશીલ પ્રમુખ કિરીટ પટેલ તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ તેમણે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ જાહેર થયેલ કેવડી પ્રાથમિક શાળાનાં આચાર્ય સહિત સ્ટાફગણનું સન્માનપત્ર અર્પણ કરી અભિવાદન કર્યું હતું. તદુપરાંત ઉમરપાડા તાલુકાનાં શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર શિક્ષક ભાઈ બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
અંતમાં આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક બળવંત પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સલાહકાર સમિતિનાં કન્વીનર અનિલ ચૌધરીએ કર્યું હતું. બેઠકને સફળ બનાવવા ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તેમજ કેવડી પ્રાથમિક શાળાનાં આચાર્ય સંજય ચૌધરી તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.