મહીધરપુરામાં 19 વર્ષ પૂર્વે ફાયરિંગ કરી 5 લાખ લૂંટી લેનાર સૂત્રધાર લગ્નમાં આવતા જ ઝડપાયો
વર્ષ 2004માં મહીધરપુરામાં લૂંટારૂ ટોળકીએ યુવક પર ફાયરિંગ કરી 5 લાખની રોકડની લૂંટ કરી હતી. આ લૂંટ વિથ ફાયરિંગના ગુનામાં એક લૂંટારૂને પલસાણા કરાડા ગામે કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. ભત્રીજાના 3 દિવસ પછી લગ્ન થવાના હતા. તે પહેલા ક્રાઇમબ્રાંચે તેને દબોચી લીધો છે. લૂંટારૂને પકડવા ક્રાઇમબ્રાંચની ટીમે 15 દિવસ યુપીમાં ધામા નાખ્યા હતા છતાં તે હાથમાં આવ્યો ન હતો. પકડાયેલા લૂંટારૂનું નામ અરવિંદસિંહ ઉર્ફે ડબલું રામપ્રસાદસિંહ રાજપુત(46) છે અને તે યુપીના જોનપુરમાં મનસાપુર ગામે રહેતો હતો.
વર્ષ 2004માં આરોપી અરવિંદસિંહ અને તેના સાગરિતોમાં મુકેશ ઉર્ફે વિશાલ, શ્વેતુસિંહ અને મહેન્દ્રસિંહ મળી સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમીટેડમાંથી ડેઇલીની જેમ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી એક-બે માણસો રૂપિયા ભરેલી બેગ લઈ નીકળે છે. જેના આધારે ટોળકીએ વોચ કરી આકાશ હોટેલ પાસે હાથમાંથી 5 લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવી ભાગી ગયા હતા.
શરૂઆતમાં થેલો ન આપતા લૂંટારૂઓએ ફાયરિંગ કરી દીધું હતું. જેથી યુવકને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તે વખતે મુકેશ પકડાય ગયો અને આરોપી અરવિંદસિંહ બાઇક પર ભાગી ગયો હતો. આ લૂંટારૂને પકડવા માટે પોલીસ કમિશનરે 30 હજારનું ઈનામ રાખ્યું હતું. અત્યાર સુધીમાં બે આરોપી પકડાયા છે. હજુ બે ફરાર છે.