બારડોલીના હોસ્ટેલમાં છોકરાઓ સુતા રહ્યા તસ્કરો ૧૧ મોબાઈલ લઈ છું થઈ ગયા
બારડોલીના હોસ્ટેલમાં છોકરાઓ સુતા રહ્યા તસ્કરો ૧૧ મોબાઈલ લઈ છું થઈ ગયા
– બાબેનની શાંતિનિકેતન હોસ્ટેલમાંથી કુલ રૂ.૧.૪૭ લાખના ૧૧ મોબાઈલ ચોરાયા.
– રિક્ષામાં ભાગી છૂટેલા તસ્કરો મુદ્દામાલ સાથે વાહન ચેકિંગમાં ઝડપાયા.
બારડોલી.
બારડોલી તાલુકાના બાબેન ખાતે શાંતિનિકેતન નામની ખાનગી હોસ્ટેલમાં પેઈગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓ વરસાદી માહોલમાં મળસ્કાના સમયે સુતા હતા. સવારે છ વાગ્યે હોસ્ટેલનો મુખ્ય દરવાજો ખોલતાં તકનો લાભ લઇ અંદર પ્રવેશેલા તસ્કરોએ વિવિધ વિદ્યાર્થીઓના પલંગ ઉપર મુકેલા કુલ ૧૧ મોબાઇલ કિંમત રૂ.૧.૪૭ લાખનો જથ્થો ચોરી ભાગી ગયા હતા. બારડોલી પોલીસ મથકે ઘટનાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ દરમિયાન ચોરીના મોબાઈલ લઈને ભાડાની રિક્ષામાં સુરત તરફ ભાગી ગયેલા સંબંધે ભાઈ બહેન જણાતા તસ્કરો સુરતની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ઝડપાઈ જવા પામ્યા હતા.
બારડોલી તાલુકાના બાબેન ખાતે શાંતિનિકેતન નામની હોસ્ટેલ આવેલી છે. જે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પેઇગ ગેસ્ટ તરીકે રહેવાની સગવડ અપાતી હતી. રાત્રિના સમયે હોસ્ટેલનો મુખ્ય દરવાજો બંધ થયા બાદ દરરોજ સવારે છ વાગે ખોલવામાં આવતો હતો. ગતરોજ તારીખ ૧૦ ની સવારે હોસ્ટેલનો દરવાજો ખુલ્યા બાદ તકનો લાભ લઇ અંદર પ્રવેશેલા તસ્કરોએ ઊંઘની મજા માણતા વિવિધ વિદ્યાર્થીઓના બેડ પર મુકેલા વિવિધ કંપનીના કુલ ૧૧ નંગ એન્ડ્રોઇડ મોબાઈલ કુલ કિંમત રૂપિયા ૧.૪૭ લાખનો જથ્થો ચોરી કરી ભાગી ગયા હતા. બારડોલીથી સુરત તરફ તેઓ ભાડાની રિક્ષામાં જઈ રહ્યા હતા. આ સમયે સુરતની ચેકપોસ્ટ ઉપર ચાલતા વાહન ચેકિંગમાં રીક્ષાને અટકાવી પૂછપરછ બાદ રિક્ષામાં બેઠેલા પેસેન્જર ઉપર શંકા જતા પોલીસે તપાસ કરતા એક યુવક અને એક યુવતી પાસેથી ૧૧ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે વિવિધ આધાર પુરાવા અને બિલની માંગણી કરતા બંને જણાએ મોબાઈલનો જથ્થો બારડોલીની શાંતિનિકેતન હોસ્ટેલમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસની પૂછપરછ માં આશ્ચર્યની વચ્ચે બંને જણા ભાઈ બહેનનો સંબંધ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓના નામ કનૈયા ચેલારામ રાજનટ ઉ.વ.૨૦, રહે. ઝુલેલાલ સોસાયટી, ઝૂલેલાલ મંદિર પાસે, નડિયાદ તથા કંકુબેન તે સુરેશ ઉર્ફે શબ્બીર ઝારારામ રાજનટ ઉ.વ.૨૩ રહે. ઘર નંબર ૪, સંતોષી નગર, નવાગામ, પાંજરવાડ, ઉધના, સુરત હોવાનું જાણવા મળ્યું હતું. બારડોલી પોલીસને જાણ કરાતા બંને આરોપીઓનો ચોરીના જથ્થા સાથે કબજો મેળવી તેઓને બારડોલી પોલીસ મથકે લાવી તેઓની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ કરતા આરોપીઓ પૈકીની મહિલા કંકુબેન સુરતમાં ઘરફોડીના ચારથી અધિક ગુનાઓમાં ઝડપાયેલી ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બંને ગુનેગારો દ્વારા કરાયેલા અન્ય ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતા દર્શાવાય હતી.