મિડલ ઈસ્ટમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

મિડલ ઈસ્ટમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
શ્રમિકોને પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છેઃ નાયબ મુખ્યમંત્રી
લોકોને ગેરમાર્ગે દોરે તેવી કોઈ પણ ખોટી માહિતીને સમજયા વિના ફોરવર્ડ કરનારાઓ વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવશે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુધ્ધસંઘર્ષ અને વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICC સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતની દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે કામદારો, ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો બાબતે ઉચ્ચતરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજયમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડિઝલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો ઉપલબ્ધ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પુરવઠાની સપ્લાય કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે સ્થળોએ પી.એન.જી. કનેકશનો હોય અને લોકો એલ.પી.જીનો ઉપયોગ કરતા હોય તેઓને ઝડપથી પી.એન.જી. કનેકશનો આપવા માટે ગુજરાત ગેસ કંપનીની અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત ગેસ કંપનીની મેઈન લાઈનોની નજીકના સ્થળોને સત્વરે કનેકશનો પુરા પાડવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ હાલમાં એલ.પી.જી. ગેસ જથ્થાની ધરેલુ, શૈક્ષણિક, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રિઝોને કરવામાં આવતી સપ્લાયની વિગતો રજુ કરી હતી. બેઠકમાં વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ પોતાની રજુઆતો કરી હતી.
બેઠકમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, એમ.એસ.એમ.ઈ.ના કમિશનરશ્રી કે.સી.સંપથ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ મીડિયા પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અફવાઓને કારણે કારીગરોમાં ડર પેદા ન થાય તે માટે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ મંડળો દ્વારા ઇન્ડસ્ટ્રિયલ કિચન અને ભંડારાઓ દ્વારા શ્રમિકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે. પાંડેસરા, વાપી, અંકલેશ્વર અને દહેજ જેવા વિસ્તારોની ઇન્ડસ્ટ્રીઝદ દ્વારા કારીગરો માટે રહેવા-જમવાની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા કારીગરો માટે પાંચ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક વાતો કે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ માહિતી સરકારી વિભાગ જોડે ટેલી કરવા જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરે તેવી કોઈ પણ ખોટી માહિતીને સમજયા વિના ફોરવર્ડ કરનાર વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કાળાબજાર કરનારાઓ પર નજર રાખવા માટે દરેક જિલ્લામાં અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. જો કોઈ ગેસ બોટલ, પેટ્રોલ-ડીઝલ કે જીવન જરૂરિયાતની વસ્તુઓના કાળાબજાર કરશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ૧૧૮ જેટલા કોમ્યુનિટી કિચન (ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન) કાર્યરત કરવામાં આવ્યા છે. ગુજરાત દેશનું રોલ મોડલ છે અને તમામ વેપારીઓ તથા ઇન્ડસ્ટ્રીઝ સરકાર સાથે મળીને પરિસ્થિતિને થાળે પાડવા માટે કામ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.



