મધ્યપ્રદેશમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી મિસાઇલ ઇકોસિસ્ટમનો શિલાન્યાસ

મધ્યપ્રદેશમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી મિસાઇલ ઇકોસિસ્ટમનો શિલાન્યાસ
₹2,500 કરોડના રોકાણથી 5,000 રોજગારીનું સર્જન થશે
મધ્યપ્રદેશના શિવપુરીમાં દક્ષિણ એશિયાની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમના શિલાન્યાસ સાથે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત થયું છે. જાહેર ક્ષેત્રની બહાર આવી પ્રકારની પ્રથમ સુવિધા કાચા માલથી લઈને મિશન-તૈયાર મિસાઇલોના ઉત્પાદન સુધીની સમગ્ર પ્રક્રિયાને એક જ સ્થળે પૂર્ણ કરશે, જે ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
પ્રસંગે જણાવાયું હતું કે મધ્યપ્રદેશ આજે દેશના ઝડપી વિકાસશીલ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારના ઉદ્યોગલક્ષી અભિગમ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તેમજ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે.
અદાણી સમૂહે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન મધ્યપ્રદેશમાં ₹1.10 લાખ કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેના પરિણામે વર્ષ 2030 સુધીમાં આશરે 1.20 લાખ રોજગારીની તકો ઊભી થશે. સમૂહે રાજ્યમાં સિમેન્ટ, પાવર, માઇનિંગ, પવન ઊર્જા અને સ્માર્ટ મીટર જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે.
શિવપુરીમાં બનનારી નવી મિસાઇલ ઇકોસિસ્ટમ માટે આગામી ત્રણ વર્ષમાં ₹2,500 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5,000 લોકોને રોજગારી મળશે તેમજ 50થી વધુ MSME એકમો ઉચ્ચ સ્તરની સંરક્ષણ સપ્લાય ચેઇન સાથે જોડાશે.
ગ્વાલિયર ખાતે પહેલેથી જ લાઇટ મશીન ગન, એસોલ્ટ રાઇફલ અને કાર્બાઇનનું ઉત્પાદન થઈ રહ્યું છે. હવે શિવપુરીમાં મધ્યમ અને લાંબા અંતરની મિસાઇલ સિસ્ટમ, પ્રોપેલન્ટ, TNT અને વિસ્ફોટક ગ્રેડ સામગ્રીના ઉત્પાદનથી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી દિશા મળશે.



