અંકલેશ્વરમાં હવામહેલ પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
- અંકલેશ્વરમાં હવામહેલ પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
- એક હત્યારાને ઝડપી પાડીને એકને વોન્ટેડ જાહેર કર્યો
અંકલેશ્વર વાલીયા ચોકડી બ્રિજ પાસે આઝાદ ટ્રેડર્સ વચ્ચે આવેલા મંદીર ( ડેરી ) પાસે 24મી માર્ચે 2023ના રોજ એક ઈસમની પથ્થર મારીને કરેલી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે. એક હત્યારાને ઝડપી પાડીને એકને વૉન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં 24મી માર્ચ 2023ના રોજ વહેલી સવારે વાલીયા ચોકડી નજીક સર્વીસ રોડ ઉપર આવેલા નેશનલ હાઇવે નંબર 48 પર એક ઇસમની પથ્થર મારીને હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ મામલે જિલ્લા એસપી ડૉ.લીના પાટિલે ગુનાની ગંભીરતા રાખીને આરોપીઓને જલ્દી ઝડપી પાડવા આદેશ આપ્યા હતા.
આ મામલે અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી-ડિવિઝન PI વી.યુ. ગડરીયા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI ઉત્સવ બારોટ, PSI કે.એચ. ત્રિવેદી તથા PSI જે.એન ભરવાડ સાથેની ટીમ બનાવી મૃતકના વાલી વારસની શોધખોળ કરતા મૃતકનું નામ જયંતીલાલ તડવી હોવાનું ખુલ્યું હતું. જે બાદ ભરૂચની સંયુકત ટીમે ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી CCTV ફૂટેજ, ટેકનીકલ સર્વેલસ, હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરતા મરણ જનાર છેલ્લે સાંજના સમયે બે ઇસમો સાથે જોવા મળ્યા હતા.
સી.સી.ટીવી ફુટેજના આધારે એક ઇસમ વાલીયા ચોકડી નજીકની ઝુપડપટ્ટીમાં રહેતો ભરત ગોઝરીયા તથા બીજા ઇસમની ઓળખ રાજુ લગડાં તરીકે થઈ હતી. આ હત્યારા ભરત ગોઝરીયાને ઝડપી પાડીને કડક રીતે પૂછતાછ કરતા તે ભાંગી પડતાં જણાવ્યું હતું કે, મરણ જનાર જંયતીલાલ તડવી અને રાજુ લગડાં સાથે 23મી માર્ચે ડેરીએ બેઠા હતા. ત્યારે મૃતકની તકરાર ભરત અને રાજુ જોડે થઈ હતી. આ સમયે ઉશ્કેરાઈ ગયેલા બંનેયે માથાના ભાગે પથ્થર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે ભરત ગોઝરીયાને જેલના સળિયા પાછળ ધકેલીને રાજુ લગડાંને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.