પ્લાસ્ટિક કચરાનો અયોગ્ય નિકાલ કરતાં વિશ્વના ટોચના ૧૨ દેશોમાં ભારત સામેલ

- પ્લાસ્ટિક કચરાનો અયોગ્ય નિકાલ કરતાં વિશ્વના ટોચના ૧૨ દેશોમાં ભારત સામેલ
- ભારતમાં પ્લાસ્ટિક વેસ્ટનું માથાદીઠ ઉત્પાદન સૌથી ઓછું
પ્લાસ્ટિક કચરો મોટી સમસ્યા છે ત્યારે વિશ્વના ૬૦ ટકા પ્લાસ્ટિક વેસ્ટના મિસમેનેજમેન્ટ માટે જવાબદાર ૧૨ દેશમાં ભારતનો સમાવેશ થાય છે. જોકે, પ્લાસ્ટિક કચરાના માથાદીઠ ઉત્પાદનની રીતે ભારત તળિયે છે. સ્વિટ્ઝર્લેન્ડની ઇએ અર્થ એક્શનના ‘ધ પ્લાસ્ટિક ઓવરશૂટ ડે’ અહેવાલમાં જણાવ્યા અનુસાર ૨૦૨૧થી વૈશ્વિક પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન ૭.૧૧ ટકા વધ્યું છે. ચાલુ વર્ષે ૨૨ કરોડ ટન પ્લાસ્ટિક વેસ્ટનું ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે. જેમાંથી ૭ કરોડ ટન પર્યાવરણને પ્રદૂષિત કરશે. કેનેડાના ઓટાવા ખાતે યોજાનારી સંયુક્ત રાષ્ટÙની ઇન્ટરગવર્મેન્ટલ નેગોશિએટિંગ કમિટી (આઇએનસી)ની ચોથી બેઠક અગાઉ આ અહેવાલ આવ્યો છે. બેઠકમાં વૈશ્વિક નેતાઓ પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા કાયદો વિકસાવવાનો પ્રયાસ કરશે. અહેવાલમાં જણાવ્યા અનુસાર “વિશ્વના ૬૦ ટકા પ્લાસ્ટિક કચરાના મિસમેનેજમેન્ટમાં ૧૨ દેશ જવાબદાર છે. જેમાં ચીન, ભારત, રશિયા, બ્રાઝિલ, મેક્સિકો, વિયેટનામ, ઇરાન, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત, પાકિસ્તાન, અમેરિકા અને તુર્કીનો સમાવેશ થાય છે.” અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પ્લાસ્ટિક કચરાના ઓછા માથાદીઠ ઉત્પાદન (વર્ષે માથાદીઠ ૮ કિગ્રા)માં ભારતને ‘ઓછા કચરાનું ઉત્પાદન’ કરતા દેશ તરીકે ગણાવાયો છે. ૨૦૨૪માં પ્લાસ્ટિક કચરાનું મિસમેનેજમેન્ટ ૭૪ લાખ ટન છે, જે ઘણું ઊંચું છે. તેમ છતાં ભારતના પ્લાસ્ટિક કચરાનું મિસમેનેજમેન્ટ ચીન કરતાં પાંચમા અને અમેરિકાની તુલનામાં ત્રીજા ભાગનું છે. અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારત પર્યાવરણને ૩,૯૧,૮૭૯ ટન માઇક્રોપ્લાસ્ટિક કચરાથી પ્રદૂષિત કરશે. જ્યારે ૩૧,૪૮૩ ટન કેમિકલ કચરો પાણીમાં છોડશે. બેલ્જિયમના લોકો પ્લાસ્ટિક કચરાની બાબતમાં મોખરે છે. તેમના વ્યક્તિદીઠ પ્લાસ્ટિક વેસ્ટનું વાર્ષિક ઉત્પાદન ૧૪૭.૭ કિગ્રા છે.
આભાર – નિહારીકા રવિયા