દેશ

“મારી માટી મારો દેશ, માતૃભુમિને નમન વીરોને વંદન”

માતૃભૂમિ અને વીરોના બલિદાનનું ઋણસ્વીકાર કરવાનો અનેરો અવસર એટલે “મારી માટી મારો દેશ” અભિયાન

સુરત: સોમવાર: “જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે” એવું એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે. માણસ ગમે એટલો મહાન થઇ જાય તો પણ એ જનની અને જન્મભૂમિનું ઋણ ઉતારી શકતો નથી. પણ ઋણ સ્વીકાર જરૂર કરી શકે છે. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં બે વર્ષથી ઉજવવામાં આવી રહેલા આઝાદીસ કા અમૃત મહોત્સવ કાર્યક્રમ સમાપન પ્રસંગે દેશભરમાં મારી માટી મારો દેશ, માતૃભૂમિને નમન વીરોને વંદન નામનું સુંદર મજાનું દેશવ્યાપી અભિયાન સરકાર દ્વારા આગામી તા. ૦૯મી, ઓગષ્ટથી શરૂ કરવામાં આવશે.
તા.૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિને આપણને બ્રિટિશ સરકારની કાળમીંઢ ગુલામીમાંથી આઝાદી મળી હતી. દેશને આઝાદી અપાવવા માટે આપણા નરબંકાઓએ આપેલા બલિદાન અને માતૃભૂમિનું ઋણ સ્વીકારવા માટે આ દેશવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત યુવા પેઢી કે જેમને આઝાદીની ચળવળ અંગે આછો પાતળો જ ખ્યાલ છે એ પેઢીને આઝાદીના જંગમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર તથા દેશની સીમાઓનું રક્ષણ કરતા કરતા હસતા મોઢે શહીદી વહોરી લેનાર આપણા મિલીટરીના જવાનો તથા સી.એ.પી.એફ અને પોલીસ જવાનોની શહાદતને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી આ શહીદોએ આપેલા બલિદાનને યાદ કરી તેમના પરિવારજનોની પડખે આખો દેશ ઉભો હોવાનો અહેસાસ થાય એ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.
દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવનાના નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણન બળવત્તર બને એ માટે નવતર અભિગમ માટે શરૂ કરવામાં આવનાર આ અભિયાન દેશના નાગરિકોને દેશ પ્રેમના પાઠ શીખવા મળશે. આપણા દેશનો યુવાવર્ગ કે જે ભણતર તેમજ નોકરી અંગે વિદેશમાં પલાયન કરે છે. તેમને પણ આ કાર્યક્રમ થકી આપણા અદભૂત સાંસ્કૃતિક વારસાની સમજ મળી રહેશે.
આ અભિયાન થકી “પહેલા દેશ પછી હું”ની ભાવના જગાડવા માટેનો સરકારના આ સરાહનીય પ્રયાસોમાં આપણે સૌ સાથે મળીને કામ કરવું પડશે તો જ રાષ્ટ્રનિર્માણના આ મહાયજ્ઞમાં સફળ થઇ દેશને વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત કરી શકીશું.
આગામી તા. ૦૯મી, ઓગષ્ટથી ગ્રામ્ય સ્તરેથી શરૂ થનારા આ ઐતિહાસિક કાર્યક્રમ આવનારી પેઢી માટે એક નવી તવારીખ લખશે એમાં બેમત નથી. ગ્રામ્ય સ્તર, તાલુકા કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાષ્ટ્રીય કક્ષાએ આ કાર્યક્રમ યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજનાનારા આ કાર્યક્રમને પાંચ વિવિધ આયામો હેઠળ આવરી લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ આયામ શિલાફલકમ્ છે. શિલાફલકમ્ એટલે કે તકતી મૂકવામાં આવશે. તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. ગામમાં કોઇ જવાન લશ્કરીદળમાં કે પોલીસ દળમાં સેવા આપતા શહીદ થયા હોય તેનું નામ લખવામાં આવશે જયાં અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે એવી ગ્રામ પંચાયતમાં એક શિલાફલકમ્ તૈયાર કરવામાં આવશે. જયાં અમૃત સરોવર નથી એવા ગામોમાં કોઇ સારા જળસ્રોત હોય એવી જગ્યાએ શિલાફલકમ્ તૈયાર કરી સ્થાપિત કરાશે.
‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન સુરત જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે. સુરત જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે, આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. ઉપસ્થિત સૌ પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. નિયત સ્થળોએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરાશે. આ ઉપરાંત ‘વસુધા વંદન’ અંતર્ગત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ‘વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે એવી વિગતો જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે.
આ ઉપરાંત, માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચશે. ગામથી તાલુકા સુધીની મિટ્ટી યાત્રા પણ યોજાશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે.
આ અભિયાનના ભાગરૂપે જિલ્લાની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાશે, જેમાં સરપંચ, પંચાયતના સભ્યો, આશાવર્કર, ગ્રામસેવકો, ગ્રામજનો જોડાશે. સાથોસાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભારત, અટલ પેન્શન. પી.એમ. જીવનજ્યોતિ વિમા યોજનાના કેમ્પ યોજી લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.
નોંધનીય છે કે, દેશભરની ગ્રામ પંચાયતોમાંથી ૭૫૦૦ કળશમાં માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર લાવવામાં આવશે. આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ છે. આ ઝુંબેશમાં ગામડાઓમાંથી અંદાજીત ૧.૫૦ કરોડ લોકો જોડાશે અને ૧૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button