પલસાણા હાઈવે પર સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ચોખાની આડમાં લઈ જવાતો ₹1.37 કરોડનો દારૂ ઝડપાયો

પલસાણા હાઈવે પર સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ચોખાની આડમાં લઈ જવાતો ₹1.37 કરોડનો દારૂ ઝડપાયો
નેશનલ એક્સપ્રેસ-વે પર કન્ટેનરમાંથી 28,716 બોટલો મળી આવી: દારૂ અને ટ્રક સહિત ₹1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી જેલભેગા
પલસાણા : આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત રેન્જ આઈ.જી. પ્રેમ વીર સિંહ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની સૂચના હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામી દેવા એલ.સી.બી. (LCB) એ કમર કસી છે. તે દરમિયાન પલસાણાના ગંગાધરા ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ-વે નંબર-4 પરથી સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ બાતમીના આધારે એક કન્ટેનરમાંથી ₹1.37 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડીને આંતરરાજ્ય દારૂના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે.
ચોખાની ગુણીઓની આડમાં દારૂનું નેટવર્ક
એલ.સી.બી.ના પી.આઈ. આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રોહિતભાઈ, શૈલેષભાઈ અને જગદીશભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગના એક ટાટા ટ્રક કન્ટેનર (નં-RJ-14-GG-4172) માં દારૂનો મોટો જથ્થો છુપાવીને ધૂલિયા-સોનગઢ થઈ વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
પોલીસ ટીમે ગંગાધરા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરનું સીલ તોડીને જોતા અંદર ચોખાની 100 બોરીઓ રાખવામાં આવી હતી, પરંતુ તેની પાછળ તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અંદરથી વિદેશી દારૂની કુલ 28,716 બોટલો મળી આવી હતી.
રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા, વડોદરાનું કનેક્શન ખુલ્યું
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે:
સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપત (ચાલક) – રહે. જોધપુર, રાજસ્થાન.
પ્રકાશ સુખારામ ખેમાદા (ક્લીનર) – રહે. જોધપુર, રાજસ્થાન.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો મહારાષ્ટ્રથી ભરાવવામાં આવ્યો હતો અને વડોદરા ખાતે પહોંચાડવાનો હતો. પોલીસે ‘શેઠજી’ નામના મુખ્ય સૂત્રધાર, વડોદરામાં માલ લેવા આવનાર અજાણ્યો ઈસમ અને વાહન માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.



